તા. ૨૭-૦૧-૨૦૧૩ ના રવિવાર ના રોજ અહિચ્છત્ર સંસ્કાર કેન્દ્ર, ભાવનગર ખાતે સ્વ. દેવેન્દ્રભાઈ ભગવાનલાલ ભટ્ટ ના મિત્ર તેમજ ભાવનગર ની અનેક શૈક્ષણીક તથા સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલ શિક્ષણવિદ શ્રી ધીરેન્દ્ર વૈષ્ણવ સાંજના ૪-૦૦ થી ૬-૦૦ કલાક દરમિયાન "સમર્થ જીવન જીવવાની કળા" પર વ્યક્તવ્ય આપેલ જેનો વિડીઓ અહિયાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. - સૌજન્ય શ્રી કૌટિલ્ય.જી.મહેતા.
આપણી અહીછ્ત્ર પ્રશ્નોરા નાગર સમાજ ના ગૌરવ સમું, સમગ્ર ગુજરાત માંથી N C C નેવી વિંગ માંથી 600 કેડેટ પ્રતિસ્પર્ધી વચ્ચે ભાવનગર ની આપણી જ્ઞાતિ ની દીકરી કુમારી શ્રીધી મયંક પંડ્યા (ઉમર =18 વર્ષ B COM II Yr )એ સિલેક્ટ થઇ ને વધુ મુશ્કેલ તેવી નેવી વિંગ ની સમગ્ર ભારત ની દરેક રાજ્ય સાથેની સ્પર્ધા વિસાખાપટનમ માં જીતી ને " BEST CADET " નો સુવર્ણ પદક હાંસલ કરી ને , માતા વિપુલાબેન તથા પિતા મયંકભાઈ તથા સમગ્ર જ્ઞાતિ નું ગૌરવ ઉજાળ્યું છે.
*દેશ-પરદેશમાં પ્રતિષ્ઠા મેળવનાર, રાજનીતિજ્ઞોમાં સન્માન અને સદભાવ મેળવનાર, બ્રિટિશ સરકારમાં વિશ્વાસ અને માન મેળવનાર અને નાનપણ થી જ ગાંધીજીનાં વિશ્વાસુ મિત્ર એવા સર પ્રભાશંકર પટ્ટણીએ પોતાનું સર્વસ્વ ભાવનગર રાજ્યને આપી ભાવનગર રાજ્યને નાના રાજ્યમાંથી મોટા રાજ્યમાં ગૌરવ ભર્યું સ્થાન અપાવ્યું હતું. પ્રભાશંકરજીનો જન્મ 15 એપ્રિલ 1862માં મોરબી માં થયો હતો. તેઓ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ હતા. મૂળ અટક ભટ્ટ હતી પણ સાસરિયા માં કોઇએ તેમનું અપમાન કર્યુ અને તેમણે પોતાની અટક ભટ્ટ માંથી પટ્ટણી બદલી. તેમનાં પ્રથમ લગ્ન 1878માં પ્રસિદ્ધ વૈદ્યરાજ ઝંડુ ભટજી નાં ભાઈ માનીભાઈની પુત્રી કુંકીબહેન સાથે થયા હતા. ફૂંકીબહેનનું અવસાન થતા પ્રભાશંકરજીનાં બીજા લગ્ન 1881માં ઝંડુ ભટજીનાં બીજા ભાઈ રાજવૈદ્ય વિશ્વનાથ વિઠ્ઠલજીની પુત્રી રામબહેન સાથે થયા હતા. ગુજરાતી માધ્યમમાં સાત ધોરણ ભણ્યા પછી મેટ્રીક કરવા રાજકુમાર કોલેજમાં ભણ્યા.ત્યાં સમસ્ત કાઠિયાવાડમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા. ત્યારબાદ મુંબઈ મેડિકલ કોલેજ માં પ્રવેશ લીધો પણ સ્વાસ્થ્ય સારું ન રહેતા 1886માં માણાવદર પાછા આવ્યા. બે શાળાઓમાં શિક્ષકની નોકરી કર્યાં પછી રાજકુમાર કોલેજ માં શિક્ષકની નોકરી મળી. ત્યારે ભાવનગર રાજ્યનાં મહારાજકુમાર ભાવસિંહજી ત્યાં અભ્યાસ કરતા હતા. પ્રભાશંકરજીને ભાવસિંહજીનાં ખાસ શિક્ષક નિમવામાં આવ્યાં અને બન્ને વચ્ચે ગાઢ મૈત્રી થઈ. ભાવનગર રાજ્યનાં દિવાન વિઠ્ઠલદાસ મહેતા એ નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપતાં 1903માં ભાવસિંહજીએ પ્રભાશંકરજીને ભાવનગર રાજ્યનાં દિવાનપદે નિયુક્ત કર્યા. પ્રભાશંકરજી 1903 થી 1938 એમ 36 વર્ષ ભાવનગર રાજ્યનાં દિવાન રહ્યાં. એમની દિવાનગીરી દરમિયાન ભાવનગરનાં બંદર ની ખીલવણી થઇ. નાનું બંદર મોટું થયું. ખાડીઓ ઊંડી કરવામાં આવી. રસ્તાઓ વધ્યા, વેપાર વધ્યો, રેલ્વે લાઈન વધી અને દારૂબંધી નો કાયદો પણ આવ્યો. તેમની કુશળ રાજનીતિ અને કુનેહને સ્પષ્ટ કરતો આ એક અદભુત પ્રસંગ છે. ભાવનગર બંદરનો વેપાર વધતો જોઈ બ્રિટિશ સરકારે વિરમગામમાં લાઈનદોરી કરી અને ભાવનગર બંદરથી આવતા માલને અટકાવ્યો. ભાવનગર રાજ્યનાં બંદરી હકો વિષે પ્રભાશંકરજીએ પહેલેથી જ બ્રિટિશ સરકાર સાથે કરાર કર્યો હતો કે ભાવનગર બંદર થી આવતા માલ પર સરકારી હિસાબે આયાતવેરો લેવામાં આવે અને ભાવનગર બંદરથી આવતા માલને બ્રિટિશ હદમાં છૂટ થી દાખલ થવા દેવો. આ કરારના આધારે જ પ્રભાશંકરજી ભાવનગર બંદરની આ લડાઈ લંડન સુધી લડ્યા અને જીત્યાં. 1912 માં બ્રિટિશ રાજ્યનાં ખાસ અગ્રણીએ પ્રભાશંકરજીને મુંબઇ ગવર્નરની એક્ઝિક્યુટિવ કાઉન્સિલનું સભ્યપદ અપાવ્યું. ગોળમેજી પરિષદમાં સારું કાર્ય કરતાં પ્રભાશંકરજી ને 'સર' નું બિરુદ આપવામાં આવ્યું અને તેઓ બન્યા 'સર પ્રભાશંકર પટ્ટણી'. સતત દુષ્કાળ પડ્યો ત્યારે 40-50 માઇલ ચાલતાં અને ઘોડેસવારી કરીને રાહતકાર્ય કરેલું. પ્રભાશંકરજી ભાવસિંહજીનાં સારા મિત્ર હતાં. 1919 માં ભાવસિંહજીનું મૃત્યું થયું એ પહેલાં ભાવનગર રાજ્યનાં સગીર વારસદર કૃષ્ણકુમારસિંહજીનાં ઉછેર અને તાલિમ ની જવાબદારી પ્રભાશંકરજીને સોંપી હતી. કૃષ્ણકુમારસિંહજી ને બધી જ તાલિમ આપી પ્રભાશંકરજીએ 1931માં તેમનો રાજ્યાભિષેક કર્યો. *રવીન્દ્રનાથ ટાગોર જેવી લાંબી દાઢી રાખતાં જે તેમની વિદ્વત્તા, માનવપ્રેમ અને આદ્યાત્મિકતાનું પ્રતિક હતી. પ્રભાશંકર સારા કવિ અને લેખક પણ હતાં. કવિ દુલા ભાયા કાગ સાથે અનેક વાર પોતાના નિવાસ સ્થાને સાહિત્યની ગોષ્ઠીઓ કરતાં. દુલા ભાયા કાગ પણ લાંબી દાઢી રાખતાં. બે પંક્તિમાં કાગ બાપુએ મોટી દાઢીવાળા પોતાને, પ્રભાશંકરને અને ટાગોરજી ને વણી લીધા છે-
"દાઢીવાળા દેખીયા નર એક રવીન્દ્રનાથ, દુજો સર પટ્ટણી સમરથ, દેવ ત્રિજો તું દુલીયા!"
*પ્રભાશંકરજીનું 12 ફેબ્રુઆરી 1938નાં દિવસે હરિપુરા કૉંગ્રેસ સંમેલનમાં જતા ભાવનગરનાં શિહોર પાસે ટ્રેનમાં જ મૃત્યુ થયું. તેમની સ્મૃતિમાં ભાવનગરની પ્રખ્યાત સાયન્સ કોલેજને એમનું નામ આપવામાં આવ્યું જે આજે "સર પી. પી. સાયન્સ કોલેજ" તરીકે પ્રખ્યાત છે....